આજથી ૧૩૦ વર્ષ અગાઉ જ્યારે દીકરીઓને નિશાળમાં મૂકવી કે કેમ એ વાતે પરિવારમાં મહાયુદ્ધ થઈ જતા હતા એ જમાનામાં આનંદી ગોપાલ જોશી નામની મહિલાએ અમેરિકામાં અભ્યાસ કરી માત્ર ૨૧ વર્ષની ઉંમરે એમ.ડી.ની ડીગ્રી મેળવી હતી. અમેરિકા જનાર હિન્દુ સમાજની એ સૌપ્રથમ મહિલા બની હતી. આનંદી પોતાના નામ પાછળ પતિનું આખું નામ લખવાની આગ્રહી હતી, કારણ કે એની સિદ્ધિ એના પતિને જ આભારી હતી.
આનંદીના પતિ ગોપાલરાવ જોશી એવા પ્રથમ પુરૂષ હશે જે પોતાની પત્નીને ઘરકામ કરતાં જોઈ જાય તો નેતરના સોટાથી ફટકારતા હતા. એ જમાનામાં પતિ પત્નીને ફટકારે એ નવી વાત નહોતી, પરંતુ મોટાભાગના પતિ પત્ની બરાબર ઘરકામ ન કરે, ન રાંધે તો ફટકારતા હતા. આનંદી સાથે લગ્ન થયા ત્યારે વિધુર ગોપાલરાવની ઉંમર ૨૫ વર્ષની હતી અને આનંદી ૯ વર્ષની હતી. લગ્ન એ શરતે થયા હતા કે તે આનંદીને વાંચતાં લખતાં શીખવશે. ગોપાલરાવ પોસ્ટ વિભાગમાં ક્લાર્ક હતા. તેમણે આનંદીને મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત વાંચતાં -લખતાં શીખવ્યું.આનંદી જોશી ૧૪ વર્ષની ઉંમરે માતા બની, પરંતુ બાળક જન્મના ૧૦ દિવસમાં જ તબીબી સારવારના અભાવે મૃત્યુ પામ્યું. આનંદીએ પતિ સામે ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આનંદી મેડિકલ અભ્યાસ કરે એ આનંદીના માતા-પિતા જ નહીં, સમગ્ર સમાજને પસંદ નહોતું. પરંતુ ગોપાલરાવ અટલ હતા. એમણે બધાના વિરોધથી બચવા કોલકાતા બદલી કરાવી લીધી. ૧૮૮૦માં ગોપાલરાવે અમેરિકામાં એક મિશનરીને પત્ર લખ્યો કે આનંદી તબીબી અભ્યાસ કરવા માગે છે અને તેમાં આનંદીને ત્યાં રાખવામાં તેમની મદદની જરૂર છે. સામેથી શરત મૂકાઈ ખ્રિસ્તી બની જાઓ. આનંદી અને પતિએ વાત મડી વાળી. પરંતુ ગોપાલરાવના પત્રની વાત અમેરિકાના અખબારોમાં પ્રગટ થઈ એટલે ન્યૂ જર્સીની ગર્ભશ્રીમંત થિયોડિસિયા કારપેન્ટરે આનંદીને પોતાને ત્યાં રાખવા તૈયારી દર્શાવી. પરિવાર તથા સમાજના વિરોધ, પતિના આગ્રહ વચ્ચે સતત રૃંધાતી આનંદીની તબિયત લથડી હતી, છતાં અમેરિકા જવાનું ગોઠવાયું તો પતિના આગ્રહથી તે ગઈ. વિમન્સ મેડીકલ કોલેજ ઓફ પેન્સિલ્વેનિયામાં અભ્યાસ કરી એમ.ડી.ની ડીગ્રી મેળવી. જોકે એ પછી આનંદી થોડાંક મહિના જ ટકી શકી. એની માંદગી વિકરાળ બની અને એક દિવસ ડોક્ટર આનંદીને ડોક્ટરોએ મૃત જાહેર કરી.
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો